વચનામૃત ગઢડા મધ્યનું - ૩૯

સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા; પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય જે જાય જ નહિ એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, લો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય તોપણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમસુખ રૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થાતું નથી એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે, તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તોપણ એ પ્રતીતિ ટળી નહીં. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ અમારે જાણ્યામાં આવે જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા ને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો. (૧) પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે મોટેરો હોય તેને વિષે નિષ્કામરૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ ને બીજી વાતમાં તો કાંઈક કાચ્યપ હોય તો ચાલે પણ એની તો દૃઢતા અતિશે જોઈએ કેમ જે એ મોટેરો છે તેની સારપે સર્વેની સારપ કહેવાય. (૨)

          એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ, પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું જે, (૨) અમે પંચમ સ્કંધ તથા દશમ સ્કંધનું અતિશે પ્રતિપાદન કર્યું છે માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાણું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશે બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચે સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે એ વાર્તા એમ નહિ હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમ સ્કંધનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ્‌, વેદાંત ને શ્રુતિ, સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે, ને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વે કારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે, તે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તથા એ શ્રીકૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે અને પોતે બાંધી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશે મોટપને પામે ને જે ન રહે તે મોટા હોય તોપણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વાસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્‌ભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવરૂપ છે અને એ શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યાં તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી. ને દશમમાં કહ્યાં જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવાં ને સાંભળવાં, તે શુકજીએ જ કહ્યું છે જે :

परिनिष्ठातोडति नैर्गुण्ये उत्तमश्लोकलीलया ।

गृहीत चेता राजर्षे आख्यानं यद्धीतवान् ।।।।

          અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખવી અને જો ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ હશે ને કદાચિત્‌ એ જીવ કાંઈક પાપ કરશે તોપણ એનો ઉદ્ધાર થાશે કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત્ત કહ્યું છે પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચમહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે; એ પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્‌ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જાશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખીને એની દૃઢ ઉપાસના કરવી એમ અમે તમને સર્વેને કહીએ છીએ તે વાર્તાને સર્વે દૃઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાવચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૯।। (૧૭૨)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા એકાંતિક ભક્તને અમારા વિના બીજા પદાર્થનો ઘાટ થાતો નથી ને સ્વપ્નમાં પણ આવતા નથી ને પ્રવૃત્તિમાં રહ્યા હોય. પણ અંતર્દૃષ્ટિ કરે ત્યારે આત્મસ્વરૂપને પામીને પરમસુખ રૂપે વર્તાય ને અમને સદા સાકાર જાણે અને જે દંભે કરીને અમારી ભક્તિ કરતો હોય તેના ઉપર રાજી ન થાય ને સાચા ભક્તને દેખીને જ રાજી થાય એવા સ્વાભાવિક ગુણ અમારા એકાંતિક ભક્તને વિષે રહ્યા છે. (૧) અને મોટેરા હોય તેને નિષ્કામ વ્રતની અતિશે દૃઢતા કરવી. (૨) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાનો મહિમા કહ્યો છે જે જેમ દશમ સ્કંધમાં અનેક નામે કરીને વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને જ કહ્યા છે અને સર્વ કર્તા કહ્યા છે તેમ વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ, હરિદિગ્વિજય આદિક સાંપ્રદાયિક ગ્રંથોમાં નારાયણ, વિષ્ણુ, પરમાત્મા, પુરુષોત્તમ, વાસુદેવ, નરનારાયણ, નીલકંઠ, હરિ, હરિકૃષ્ણ, શ્રીકૃષ્ણ, ઘનશ્યામ, સહજાનંદ, નારાયણમુનિ, બ્રહ્મ, પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ ઇત્યાદિક વિશેષણોએ કરીને સાક્ષાત્‌ દિવ્ય વિગ્રહ સદા સાકાર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને જ કહ્યા છે એમ જાણવું અને પંચમ સ્કંધમાં જેમ એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તેમ અમારા સાંપ્રદાયિક સર્વે ગ્રંથોમાંથી અમને સર્વ કર્તા સમજવા અને સર્વેને આત્યંતિક મોક્ષરૂપી સુખ દેવાને અર્થે અનેક પ્રકારે અનંત બ્રહ્માંડમાં મૂર્તિઓ ધારણ કરીને ધર્મ-મર્યાદા બાંધીએ છીએ. તેમાં જે રહે તે અતિ મોટપ પામે ને તે મર્યાદા લોપે તો અતિ મોટો હોય તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે ને સાધારણ હોય તે અધોગતિને પામે છે. અને અમારાં જન્મ-કર્મ દિવ્ય છે તે અમારા ચરિત્રનું ગાન શ્રવણ કરે તે સર્વ પાપથી મુકાઈને પરમપદ જે અમારું અક્ષરધામ તેને પામે છે. અને સર્વ નામના નામી, સર્વ અવતારોના કારણ અવતારી અને મૂળપુરુષ જે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ, ને તેથી પર જે અમારા મુક્ત તે સર્વેથી પર ને તે સર્વેના નિયંતા પ્રત્યક્ષ ભગવાન છીએ. આવી રીતે અમારો મહિમા જાણીને નિષ્ઠા રાખે તે અંતે અક્ષરધામને પામે છે. (૩) બાબતો છે. ।।૩૯।।